વનપ્રદેશ અને રણપ્રદેશની સભ્યતાઓ
This article has been translated from English by Udit Shah.
મારાં એક પુસ્તક, “બિઈંગ ડિફરન્ટ, એન ઈન્ડિયન ચૅલેન્જ ટુ વૅસ્ટર્ન યુનિવર્સાલિઝ્મ”(2011, હાર્પર કોલિન્સ ઈન્ડિયા)માં મેં ચર્ચા કરી છે કે, ભારતીય સંસ્કૃતિને પશ્ચિમી સંસ્કૃતિથી અલગ તારવતી બાબતો જેવી કે, ભારતીય તત્વજ્ઞાન, કળા, પાકશાસ્ત્ર(ભોજન), સંગીત અને શૃંગારરસમાં જોવા મળતી અરાજક્તા તથા વ્યવસ્થા એ બંને પ્રકારનાં પરિબળો વચ્ચે (અરાજક્તાના સંપૂર્ણ નાશને બદલે) સમતોલ અને સંતુલન કેવી રીતે રાખવામાં આવે છે અને તેની સામે છે પશ્ચિમી ધર્મશાસ્ત્રોના અતિવાદ – જેમાં બંને બાબતો વચ્ચે અંતિમ લડાઈની હિમાયત કરવામાં આવે છે જ્યાં માત્ર વ્યવસ્થાનો જ વિજય થાય છે. ભારતીય સંસ્કૃતિ અને ધર્મની પરંપરાનાં મૂળમાં સમાયેલા આ વિચારોને પરિણામે નિરંતર થતાં રહેતાં મૂલ્યાંકનથી ગતિશીલતા અને સર્જનાત્મકતા સમૃદ્ધ થયા કરે છે અને તેનાં ફળસ્વરૂપે ભારતીય જીવનમાં અને સાંસ્કૃતિક કલાકૃતિમાં વૈવિધ્ય જોવા મળે છે.
મારાં આ પુસ્તકમાં બંને વિચારધારાના મુખ્ય તફાવતમાંનાં એક એવા અરાજક્તા અને વ્યવસ્થા પ્રત્યેના દ્રષ્ટિકોણ વિષય ઉપર મેં વિસ્તૃત ચર્ચા કરી છે. એ બાબત ઉપર વિચાર કરવાનું ફળદાયી રહેશે કે શા માટે ભારતીય ધાર્મિક કલ્પનાશક્તિએ વૈવિધ્ય અને બહુવિધતાને આવકારી જ્યારે અન્યોએ એટલી હદ સુધી આ ન કર્યું. બધી જ સભ્યતા પોત-પોતાનાં અસ્તિત્વ વિષે આ પ્રશ્નનો ઉત્તર શોધતી જ રહી છે કે આપણે કોણ છીએ, શા માટે અહિ આવ્યા છીએ, દૈવી તત્ત્વ કઈ રીતનું છે, બ્રહ્માંડ શું છે વગેરે. તો ભારતનાં અમુક ઉત્તરો એબ્રાહમિક ધર્મોથી તદ્દન ભિન્ન કેમ છે?
મહર્ષિ શ્રી અરવિંદ સૂચવે છે કે આપણી ધર્મિક પરંપરા મુજબ પરમ તત્ત્વની સાથે એકાત્મતા સાધવી સરળ છે અને અનેક પ્રકારની વિવિધતા શક્ય છે વિઘટન કે અરાજક્તાના કોઈ પણ ભય વિના. તેઓ ઈશારો કરે છે કે વનની પ્રાકૃતિક સંપદાની વિપુલતા અને વિવિધતા એ બંને ભારતના આધ્યાત્મિક દ્રષ્ટિકોણ માટે પ્રેરણા અને એક રૂપક પણ છે. વિશ્વની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ અને સભ્યતા ઉપર એક દ્રષ્ટિ નાખતાં જણાશે કે ભૂગોળ અને માનવજાતની પ્રતિક્રિયાને કારણે જે તે સંસ્કૃતિને કેવી અસર થઈ છે. એટલે એવું કહી શકાય કે એક સમયે પ્રચુર ઉષ્ણકટિબંધ વનોથી છવાયેલા ભારતીય ઉપમહાદ્વીપનાં ભૌતિક લક્ષણો અને વિશિષ્ટતાઓ ઊંડા આધ્યાત્મિક મૂલ્યોનું પ્રેરકબળ હોઈ શકે (રણમાં જન્મેલા ત્રણે એબ્રાહમિક ધર્મોની તુલનામાં).
ભારતીય દ્રષ્ટિકોણમાં વન સન્માર્ગનાં વિચાર સાથે જોડાયેલું એક મહત્ત્વનું અંગ છે-ગરમીથી છુટકારો, આધ્યાત્મિક ધ્યેય સિદ્ધ કરવા માટે સ્વીકારેલા વાનપ્રસ્થાશ્રમ દરમિયાન જીવનને ટકાવવા માટે પર્યાપ્ત સંપદાની પ્રચુરતા વગેરે. વન હજારો જીવોનું સંવર્ધન કરે છે જેઓ પરસ્પર એકબીજા ઉપર નિર્ભર રહે છે અને જેમાં જટિલ જૈવિક વિવિધતાઓ સતત બદલાતી રહે છે અને નૈસર્ગિક રીતે જ અંકુરિત થતી રહે છે. વન્યજીવો અને વનસ્પતિ અનુકૂલનશીલ હોય છે; તેઓ સરળતાથી પરિવર્તિત થાય છે અને એકબીજામાં સહેલાઈથી ભળી પણ જાય છે. વનોને યજમાનનું પાત્ર ભજવવાનું ગમે છે, નવા જીવો સ્થળાંતર કરીને આવે તો એમને ત્યાંનાં રહેવાસીઓની જેમ જ વસાવી દેવાય છે. વનો હંમેશાં વિકસતા રહે છે, નવાં રૂપ ધારણ કરે છે, એમનું નૃત્ય ક્યારેય છેલ્લું નથી હોતું કે ક્યારેય સમાપ્ત નથી થતું.
ભારતીય વિચાર અનેકત્વ, અનુરૂપતા, પરસ્પર નિર્ભરતા અને ઉત્ક્રાંતિને સમાંતરપણે ટેકો આપે છે. વૈવિધ્ય પ્રાકૃતિક, સહજ અને ઈચ્છનીય છે અને તે ઈશ્વરની સર્વવ્યાપક્તાની અભિવ્યક્તિ છે. જે રીતે વનમાં અસંખ્ય પ્રકારની જીવસૃષ્ટિ અને પ્રક્રિયાઓ થતી રહેતી હોય છે તેવી જ રીતે ધર્મનું આચરણ કરવા માટે અને ઈશ્વર સાથે સંવાદ સાધવા માટે પણ અગણિત માર્ગો છે. વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ ગ્રંથો, કર્મકાંડો, દેવતાઓ, ઉત્સવો અને પરંપરાઓ અરાજક્તા તરીકે ન ગણાતાં પરસ્પર એકબીજામાં એકરૂપ થઈને વણાયેલાં છે એવું મનાય છે અને સમય તેમજ સ્થળની માંગ પ્રમાણે આ બધું ફરી ફરીને એકબીજાને અનુરૂપ થતું રહે છે. જીવન પ્રદાન કરનારાં વનો અને પ્રકૃતિ માનવજાત એમની ઉપર પ્રભુત્વ સ્થાપિત કરે એવા વિચારની અવેજીમાં (જે એબ્રાહમિક ધર્મોમાં મનાય છે) એ બધાં મનુષ્યની જેમ બ્રહ્માંડના એક જ કુટુંબના સભ્યો છે એવી દ્રષ્ટિ છે. મહર્ષિ શ્રી અરવિંદ આ બાબત પાર ભાર દઈને કહે છે કે સ્વાભાવિક રીતે જ ભારતીય વિચાર અનેકરૂપતામાં વિશ્વાસ રાખે છે અને માને છે કે અનંતે તો પોતાને અનંત રૂપમાં વિધવિધ પ્રકારે પ્રસ્તુત કરવું જોઈએ. એની સામે પશ્ચિમની ધર્મ વિશેની વિભાવનાઓ મુજબ સંપૂર્ણ માનવજાત માટે એક ધર્મ [….], એક જ પ્રકારના સિદ્ધાંતો, એક જ પંથ, એક જ પ્રકારની ઉજવણી, એક જ પ્રકારના નિષેધો કે આદેશો, કે ચર્ચના પાદરીનો એક જ વટહુકમ.
“બિઈંગ ડિફરન્ટ”માં હું સૂચવું છું કે જે રીતે ધર્મિક વિચારધારાને વનોએ પ્રભાવિત કરી હશે, તે જ રીતે મધ્ય-પૂર્વનો મોટા ભાગનો પ્રદેશ જે રણ-પ્રદેશ છે અને જે એબ્રાહમિક ધર્મોનું ઉદભવ સ્થાન છે તે દ્વારા આ ધર્મો ઉપર છાપ પડી હશે. રણ-પ્રદેશનું વાતાવરણ પ્રતિકૂળ હોય છે, જ્યાં હંમેશ માટે રહેવું એ સરળ નથી અથવા પ્રકૃતિની વિવિધતા પ્રત્યે અચંબો અનુભવવાની અનુભૂતિ થવાની કોઈ શક્યતા નથી. રણ-પ્રદેશની વિશાળ શૂન્યતા અને સૌંદર્ય આદર-યુક્ત ભય અને વિનમ્રતાના ભાવોની સાથે એક દહેશતની લાગણી પણ ઉજાગર કરે છે. રણ-પ્રદેશ કઠોર હકીકત, જીવ-શૂન્યતા, નિષ્ઠુર વાતાવરણ અને ભયનો સૂચક છે.
રણમાં સામાન્યપણે ખુબ ઓછી જીવ-સૃષ્ટિ અને ઓછી વિવિધતા હોય છે. રણવાસીઓ એમના આવા નિષ્ઠુર વાતાવરણની પરવશતાથી દૂર થવા “ઉપર” ક્યાંક ઈશ્વરને શોધે છે. એબ્રાહમિક ધર્મોની લાક્ષણિકતા આવા પ્રકારની આદર-યુક્ત ભીતિ અને ડર પર ઊભી થઈ છે. પ્રકૃતિ એ સહાયરૂપ નહીં પણ ભયંકર છે-એવો શત્રુ છે કે જેને કાબુમાં કરવો, જેનામાં સંસ્કારનું સિંચન કરવું અને જેને વશમાં કરવો આવશ્યક છે. દૈવી તત્ત્વ એ પ્રેમથી ઉછેરતી માતા કરતાં એક કઠોર અને ક્રોધિત પિતા વધુ છે. એનાં વાતાવરણની જેમ જ રણ-પ્રદેશ ધર્મિક વિભાવનાઓની આકરી અનુભૂતિ કરાવે છે. ઈશ્વર માનવજાતને બચાવવા માટે “કરણીય” અને”અકરણીય”ની એક કઠોર સૂચિ આપે છે-“ધ ટેન કમાન્ડમેન્ટ્સ”. એમની વિનયશીલતા માટે પ્રભુ કૃપા ને અનુકંપા જરૂર પ્રદાન કરે છે પણ પશ્ચાતાપ અને પ્રાયશ્ચિતની અપેક્ષા રાખે છે. જેઓ એનો અનાદર કરશે તેઓને નિર્દયતાપૂર્વક દંડ થશે અને પોતાની જાતને સિદ્ધ કરવા માટે એક જ જન્મ મળશે, પુનર્જન્મ થકી અન્ય કોઈ અવકાશ નથી.
ભારતીય અને પશ્ચિમની વિચારધારાઓ વચ્ચેના ભેદ માટે ભૌગોલિક પરિસ્થિતિ એ માત્ર અન્ય ભેદમાંનો એક છે. મારા આ પછીના બ્લોગમાં હું ઈતિહાસ પ્રત્યેના દ્રષ્ટિકોણને લીધે ભારત પશ્ચિમ કરતાં વધુ ભિન્ન કઈ રીતે છે તેની ચર્ચા કરીશ.
Disclaimer: The opinions expressed within this article are the personal opinions of the author. IndiaFacts does not assume any responsibility or liability for the accuracy, completeness, suitability, or validity of any information in this article.