બળ કે કળ ?
[contextly_sidebar id=”RlZoa8mDip7en47PX3a93AUQTXuSFUZ4″]
This article has been translated into Gujarati by Hiren Dave.
મહાભારતની આ કથા નું સંધાન હરિવંશ માં જોવા મળે છે. આ કથાનાં ત્રણ પાત્રો છે જેમાં બે પાત્ર વ્યક્તિઓ છે તો અન્ય પાત્ર એક શહેર છે.
જાણીતું છે કે શ્રીકૃષ્ણની સલાહ પર જ મથુરા છોડવાનો નિર્ણય લેવાયો હતો. મથુરાથી દૂર સમુદ્રતટ પર દ્વારવતી નામના નવા શહેરનું નિર્માણ થયું હતું. મથુરા છોડવાનું સૌથી મહત્વનું કારણ હતું જરાસંઘનું મથુરા પર થતું નિરંતર આક્રમણ. જરાસંઘને આવનારાં સો વર્ષોમાં પણ પરાજીત નહીં કરી શકાય એ સત્ય વૃષ્ણીઓ દ્વારા સ્વીકારાઈ ચુક્યું હતું. આ પરિસ્થિતિમાં મથુરાનો ત્યાગ કર્યા વિના કોઈ વિકલ્પ શેષ રહ્યો ન હતો.
જરાસંઘનો વધ ભીમસેનનાં હાથે થયો હતો પણ તેમાં શ્રીકૃષ્ણની મુખ્ય ભૂમિકા હતી. જરાસંઘવધની કથા મહાભારતનાં સભાપર્વમાં જરાસંઘવધ નામનાં ઉપપર્વમાં વર્ણિત છે. આ લેખમાં હું જરાસંઘથી વિશેષ કાળયવન પર ધ્યાન આપવા માંગુ છું. જરાસંઘની જેમ જ કાળયવન પણ એક એવું પાત્ર હતું કે જેને વૃષ્ણી અને અંધક પરાજીત કરવા સક્ષમ ન હતાં. કારણ ? શું હતી કાળયવનની કથા ?
કાળયવનની કથા એક એવી કથા છે કે જેમાં બધાં જ માનવભાવ વણાયેલાં છે. ઋષિ ગાર્ગ્યનો, વૃષ્ણી અને અંધક – બેઉનાં ગુરુ હોવાં છતાં પણ, તેમનાં જ બનેવી દ્વારા મથુરામાં તિરસ્કાર કરાયો હતો એમ કહીને કે ગાર્ગ્યમાં પૌરુષત્વ નથી ! અપમાન સહન ન થવાથી ગાર્ગ્ય મથુરાનો ત્યાગ કરે છે. હવે તેમને સંતાનપ્રાપ્તિ ની ઈચ્છા જાગી જો કે તેઓ ત્યારે અવિવાહિત હતા. આ હતું અપમાનનું પરિણામ ! તેમણે શિવની આરાધના કરી અને રુદ્રથી વરદાનપ્રાપ્તિ કરી કે તેમને એક એવો પુત્ર પ્રાપ્ત થાય કે જે વૃષ્ણી અને અંધકોને પરાજીત કરવામાં સમર્થ હોય. હવે આ એક કોયડો છે કે ગાર્ગ્યે સંતાનપ્રાપ્તિ સાથે એવા સંતાનની ઈચ્છા કેમ કરી કે જે વૃષ્ણી અને અંધકો ને પરાજીત પણ કરે કારણકે હરિવંશપુરાણમાં આ વિષય નો કોઈ જ ઉલ્લેખ નથી. જે પણ હોય, ગાર્ગ્યને શિવ દ્વારા વરદાનપ્રાપ્તિ થઇ ગઈ હતી.
યવનોનાં રાજાને આ વરદાનની જાણ થઇ. તેમને પણ પુત્રપ્રાપ્તિની અભિલાષા હતી. તેમણે ગાર્ગ્ય ઋષિ ને પોતાની રાજધાની આવવાનું નિમંત્રણ મોકલ્યું. યવનરાજ નાં મહેલમાં ગોપાલી નામની અપ્સરા હતી કે જે માનવરૂપે અન્ય યુવતીઓ સાથે રહેતી હતી. ગોપાલી દ્વારા જ ગાર્ગ્યને પુત્રપ્રાપ્તિ થઇ. આ પુત્રને યવનરાજે પોતાનાં પુત્રની જેમ જ ઉછેર્યો અને રાજાનાં દેહાંત પછી આ જ પુત્ર યવનોનો નવો રાજા પણ થયો. તેનું નામ હતું કાળયવન.
કાળયવને મથુરા પ્રતિ કૂચ આદરી દીધી. શ્રીકૃષ્ણ યુદ્ધ માટે ઉત્સુક ન હતા જે નિશ્ચિત હતું તેમ છતાં કાળયવન સાથે એક મનોવૈજ્ઞાનિક યુદ્ધ કરવા તેઓ ઈચ્છુક હતા … કાળયવનને ચકાસવા માટે. તેમણે કાળયવનને એક ઘડો મોકલ્યો જેમાં એક કાળો નાગ હતો. તાત્પર્ય સ્પષ્ટ હતું – કૃષ્ણએ પોતાની સરખામણી કાળા નાગ સાથે કરી હતી. પ્રત્યુત્તર હવે કાળયવને આપવાનો હતો અને એ પણ એ ભાષામાં જેમાં પ્રશ્ન પૂછાયો હતો ! કાળયવને ઘડાને કીડીઓથી ભરી દીધો. કીડીઓએ નાગને ફોલી ખાધો – નાગનાં રામ રમી ગયાં. કૃષ્ણને ઉત્તર મળી ગયો કે કાળયવન એક સક્ષમ પ્રતિદ્વંદ્વી હતો જેને રુદ્રનું વરદાનરૂપીકવચ પણ પ્રાપ્ત હતું જેથી સીધા યુદ્ધમાં તેને પરાજીત કરવું અશક્ય હતું.
કાળયવનનો અંત શ્રીકૃષ્ણને કારણે જ થયો. કેવી રીતે ? મથુરાવાસીઓને દ્વારવતી પહોંચાડ્યા પછી શ્રીકૃષ્ણ ફરીથી મથુરા પાછા ગયા. કાળયવન પણ મધુસૂદનની પાછળ ગયો. શ્રીકૃષ્ણ કાળયવનને મુચકુંદની ગુફામાં લઇ ગયા. મુચકુંદ એક રાજા હતા જેમણે દેવોને અસુરો વિરુદ્ધના એક યુદ્ધમાં સહાય કરી હતી. યુદ્ધ પૂર્ણ થયા પછી દેવોએ ખુશ થઈને મુચકુંદને વરદાન આપ્યું કે જે પણ વ્યક્તિ તમારી નિદ્રામાં ભંગ પાડશે તે તમારી આંખોની જ્વાળાથી ભસ્મ થઇ જશે. કાળયવનનો અંત કેવી રીતે થયો હશે તેની અટકળ તમે લગાવી શકો છો. કાળયવને ગુફામાં પ્રવેશ કર્યો અને મુચકુંદને શ્રીકૃષ્ણ સમજી તેને લાત મારી. મુચકુંદ નિદ્રાભંગ થયા, કાળયવનને જોયો અને તત્ક્ષણ જ પોતાની નેત્રાગ્નિથી તેને ભસ્મીભૂત કરી દીધો.
એવું પણ નથી કે શ્રીકૃષ્ણે તેમનાં પ્રતિદ્વંદ્વીઓ સાથે સીધું યુદ્ધ નથી કર્યું. કંસ, નરકાસુર અને શાલ્વ જેવાં ઉદાહરણ છે જ જેમનો વધ સ્વયં શ્રીકૃષ્ણે જ કર્યો હતો. જરાસંઘ અને કાળયવન એ બેઉ એવાં શત્રુઓ હતાં કે જે વૃષ્ણી કે અંધકોનાં હાથે સીધા યુદ્ધમાં પરાજીત થઇ શકે તેમ ન હતાં. કૃષ્ણ સ્વયંની મર્યાદાથી ઘણુંખરું પરિચિત હતા. જરાસંઘ અને કાળયવનની ઘટનાઓ દર્શાવે છે કે શ્રીકૃષ્ણને ભગવાન કરતાં માનવરૂપમાં જોવા જોઈએ. ધરતી પર માનવરૂપમાં, માનવોની સીમામાં રહીને શ્રીકૃષ્ણે દર્શાવ્યું કે ક્યાં બળનો ઉપયોગ કરવો અને ક્યાં કળનો. બળ અને કળ નું સંમિશ્રણ જ યુદ્ધમાં વિજય સુનિશ્ચિત કરે છે. જે સાધન અને મર્યાદાઓ શ્રીકૃષ્ણની હતી એ જ આપણી પણ છે. સંભવતઃ આ જ શ્રીકૃષ્ણનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ અને શીખ છે આપણા બધાં માટે.